


પ્રમુખશ્રીનું નિવેદન

વ્હાલા જ્ઞાતિજનો સાદર પ્રણામ,
શ્રી બેતાલીસ ગોળ દરજી કેળવણી મંડળની તા.૨૪/૧૨/૨૦૨૨ ના રોજ રાણીપ મુકામે રાખવામાં આવેલ ત્રિ-વાર્ષિક સાધારણ સભામાં કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપિનચંદ્ર જીવણલાલ દરજી દ્વારા પ્રમુખ પદેથી સ્વૈચ્છીક નિવૃત્તિ જાહેર કર્યા બાદ સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્યોની સર્વ સંમતિથી કેળવણી મંડળના આગામી પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપવામાં આવી.તે બદલ સર્વપ્રથમ તો હું પૂર્વ પ્રમુખ શ્રી બિપિનચંદ્ર જીવણલાલ દરજીની આગેવાની માં કેળવણી મંડળનો જે વિકાસ થયો છે અને સમાજ ઉપયોગી કાર્યો થયેલ છે જેમાં કોરોના સમયમાં સમાજના જરૂરિયાતવાળા વર્ગને કીટ વિતરણ, દરવર્ષે સમાજના વિધ્યાર્થીઓને નિ:શુલ્ક નોટબુક વિતરણ, અને સૌથી બિરદાવા લાયક સમાજ દર્શન -૨૦૨૨ અને મૃત્યુ સહાય યોજના-૨૦૨૨ વિગેરે આ તમામ કાર્યો સફળતા પૂર્વક પાર પાડવા તે બદલ તેઓની પ્રસંશા સાથે આદર વ્યક્ત કરું છું. સમગ્ર સભ્યોએ મારી પ્રમુખ તરીકે પસંદગી કરી તે બદલ સર્વેનો ધન્યવાદ પાઠવું છું. જોકે હું કેળવણી મંડળ સાથે ઘણા સમયથી જોડાયેલ હતો પણ મને એક પ્રમુખ તરીકેની કપરી જવાબદારી વહન કરવાનું કહેવામાં આવશે તેવી મેં કલ્પના પણ કરી ના હતી. સમગ્ર જ્ઞાતિજનોએ મારામાં અને મારી ટીમમાં જે વિશ્વાસ મુક્યો છે ત્યારે મારી પ્રાથમિક ફરજ થઇ પડે છે કે, મારે આપણી આ ગૌરવવંતી સંસ્થાને આગળ લઇ જવી. મારી પાસે અનુભવ પ્રમાણમાં ઓછો છે પણ મારી નિષ્ઠા, પ્રામાણિકતા અને ફરજ પ્રત્યેની સભાનતામાં જરાપણ કચાશ આવવા દઈશ નહિ તેની ખાતરી આપુ છું. મને મારા સમસ્ત સાથીદારોનો ખુબજ સારો સહકાર સાંપડી રહ્યો છે. અને સમગ્ર કારોબારી સભ્યો સંસ્થાના હિતમાં એક ટીમ ભાવનાથી આગળ વધીશું તેવો વિશ્વાસ છે. એ કહેવામાં જરાપણ અતિરેક નથી કે, પૂર્વ હોદ્દેદારો તરફથી મને અનહદ પ્રેમ, હૂંફ, સહકાર અને માર્ગદર્શન મળી રહ્યા છે. તે માટે હરહંમેશ તેમનો હું ઋણી રહીશ.
આપણા શ્રી બેતાલીસ ગોળ દરજી સમાજના ઘડવૈયા અને દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર કેળવણી મંડળના પૂર્વપ્રમુખ શ્રી ખોડીદાસ ગોવિંદભાઇ દરજી દ્વારા સમાજની નવી પેઢીને લક્ષમાં લઈને અને આપનો સમાજ આધુનિક જમાનાની સાથે તાલ મિલાવીને ચાલી શકે તે અર્થે આપણા સમાજની વેબસાઈટની શરૂઆત વર્ષ-૨૦૦૯ માં કરવામાં આવેલ. શ્રી બેતાલીસ ગોળ દરજી સમાજ કેળવણી મંડળની રજત જયંતિ પ્રસંગે તા-૧૫/૦૮/૨૦૦૯ ના રોજ સાબરમતી મુકામે આયોજિત સાધારણ સભામાં સમાજના વડીલશ્રી વાડીલાલ માધવલાલના હસ્તે www.42darjisamaj.com નામની આપણા સમાજની વેબસાઈટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. પરંતુ કેટલીક ટેક્નિકલ સમસ્યાઓને કારણે આપણી આ વેબસાઈટ ઘણા વર્ષોથી બંધ હતી. સમાજના બહુધા સભ્યોની ઈચ્છા અનુસાર આપણે આ વેબસાઈટ ફરીથી ચાલુ થઈ ગયેલ છે અને આપ સૌ તેનો બહુ સારી રીતે ઉપયોગ કરશો તેવી અમને પુરી આશા છે.
આદરણીય જ્ઞાતિબંધુઓ, આપણા આ કેળવણી મંડળને ખુબજ આગળ લઇ જવાની અને સમાજ માટે કઈક વધુ સારું કરવાની મારી તીવ્ર તમન્ના છે. મને આશા છે કે, આપ સર્વે તરફથી મને અને મારી સંપૂર્ણ કારોબારી કમિટીને આપ સર્વે દ્વારા સંપૂર્ણ સહકાર મળી રહેશે તેવી અપેક્ષા રાખું છુ. સમાજના કોઈપણ કાર્ય દરમ્યાન મારી અથવા તો મારી કારોબારી કમિટી ના કોઈપણ સભ્ય દ્વારા અજાણતામાં કઈંક ભૂલ થાય, ક્ષતિ અનુભવાય અથવા તો અન્યાય થાય તો ક્ષમ્ય ગણશો.
વધુમાં દાનભેટ આપનાર તમામ દાતાશ્રીઓ, કેલેન્ડર ભેટના દાતાશ્રી, ટેલિફોન ડિરેક્ટરીનાં દાતાશ્રી, નોટબુકમાં જાહેરાત આપનાર તમામ દાતાશ્રીઓ, વિદ્યાર્થીઓને ઇનામ આપનાર દાતાશ્રીઓ તેમજ અન્ય કોઈપણ સેવામાં દાન આપનાર તમામ જ્ઞાતિજનો નો ખુબ જ હર્દયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ આપ સૌ તરફથી આવો જ સાથ-સહકાર મળી રહેશે તેવી આશા રાખું છું.
અંતમાં અમારી કામગીરીને લક્ષીને આપના કોઈપણ સૂચનો હોય તો તે અમોને અવશ્ય જણાવજો. આપના દરેક સૂચનોની સમીક્ષા કરી તે બાબતે ઘટતું કરી આપવાની હું ખાતરી આપું છું.
મેહુલભાઈ હસમુખભાઇ ટેલર, ન્યુ રાણીપ
પ્રમુખ, શ્રી બે.ગો.દરજી કેળવણી મંડળ